ધનતેરસ આજે કે આવતી કાલે? જાણો સાચી તિથિ અને પૂજા વિધિ, શુભ મુહૂર્ત વિશે માહિતી

દિવાળી પાંચ દિવસનો તહેવાર છે. આ તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે. કારતક માસના કૃષ્ણ પક્ષની તેરસની તિથિને ધનતેરસ તરીકે ઉજવાય છે. આ દિવસે સોના, ચાંદી અને પીત્તળની વસ્તુઓની ખરીદી ખુબ શુભ મનાય છે. 
ધનતેરસ આજે કે આવતી કાલે? જાણો સાચી તિથિ અને પૂજા વિધિ, શુભ મુહૂર્ત વિશે માહિતી

નવી દિલ્હી: દિવાળી પાંચ દિવસનો તહેવાર છે. આ તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે. કારતક માસના કૃષ્ણ પક્ષની તેરસની તિથિને ધનતેરસ તરીકે ઉજવાય છે. આ દિવસે સોના, ચાંદી અને પીત્તળની વસ્તુઓની ખરીદી ખુબ શુભ મનાય છે. 

ધનતેરસની ઉજવણી કેમ થાય છે
ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરિની પૂજા-અર્ચના થાય છે. એવી માન્યતા છે કે જે સમયે સમુદ્ર મંથન થઈ રહ્યું હતું તે સમયે ભગવાન ધનવંતરિ એક રત્ન તરીકે સમુદ્ર મંથનથી બહાર આવ્યા હતા. ધનતેરસના શુભ અવસર પર ધનવંતરિ સાથે ભગવાન ગણેશ, માતા લક્ષ્મી અને કુબેરજીની પણ આરાધના થાય છે. દિવાળીના પર્વનો શુભારંભ ધનતેરસથી જ થાય છે. તો આવો જાણીએ ધનતેરસ 2020ની તિથિ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ

ધનતેરસ 2020 તિથિ તથા શુભમુહૂર્ત
ખરીદીની તિથિ- 12 નવેમ્બર 2020

મુહૂર્ત- સવારે 11:20 થી 12:04 સુધી અભિજીત મુહૂર્ત

ધનતેરસ તિથી- 13 નવેમ્બર 2020

13 નવેમ્બરના રોજ ધનતેરસ પર ખરીદી માટે પહેલું મુહૂર્ત સવારે 7 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી છે. જ્યારે બીજુ શુભ મુહૂર્ત બપોરે 1 થી 2:30 સુધી રહેશે. 

ધનતેરસ પૂજાનું શુભ મુહૂર્ત- સાંજે 5:28 વાગ્યાથી સાંજે 5:59 વાગ્યા સુધી

પ્રદોષ કાળ મુહૂર્ત- સાંજે 5:28 વાગ્યાથી રાતે 8:07 વાગ્યા સુધી - 13 નવેમ્બર 2020
વૃષભ કાળ મુહૂર્ત- સાંજે 5:32 વાગ્યાથી સાંજે 7:28 વાગ્યા સુધી- 13 નવેમ્બર 2020

ધનતેરસનું મહત્વ

દિવાળી પર્વની શરૂઆત ધનતેરસના અવસરે ભગવાન ગણેશ, માતા લક્ષ્મી, અને કુબેરજીની પૂજા સાથે થાય છે. પૌરાણિક માન્યતા મુજબ જે સમયે દેવતા અને અસુરો સમુદ્ર મંથન કરતા હતા તે વખતે સમુદ્ર મંથનથી 14 રત્ન નીકળ્યા હતા. જેમાંથી એક ભગવાન ધનવંતરિ ધનતેરસના દિવસે પોતાના હાથમાં પિત્તળનો કળશ લઈને પ્રગટ થયા હતા. આ જ કારણ છે કે આ દિવસે પિત્તળની વસ્તુઓ ખરીદવી પણ શુભ મનાય છે. 

એક માન્યતા મુજબ ધનતેરસના દિવસે ઘરમાં નવી ચીજો લાવવાથી ઘરમાં ધનની દેવી માતા લક્ષ્મી અને ધનના દેવતા ગણાતા ભગવાન કુબેરનો વાસ થાય ચે. આ દિવસે ઝાડું ખરીદવું પણ શુભ મનાય છે. આ દિવસે ઝાડું ખરીદવાનું કારણ એ છે કે ઝાડુંમાં માતા લક્ષ્મીનો વાસ મનાય છે. જો ધનતેરસના દિવસે તમે ઝાડું ખરીદો તો કહેવાય છે કે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. સોના, ચાંદી અને પીત્તળની વસ્તુઓને ખરીદવી શુભ ગણાય છે. 

ધનતેરસની પૌરાણિક કથા
એકવાર ભગવાન વિષ્ણુએ પૃથ્વી લોક પર ભ્રમણ કરવાનું વિચાર્યું. આ વાત તેમણે માતા લક્ષ્મીને જણાવી તો માતા લક્ષ્મીએ પણ ભગવાન વિષ્ણુ સાથે જવાનું કહ્યું. ત્યારે વિષ્ણુજીએ લક્ષ્મીજીને કહ્યું કે તમે મારી વાત માનશો તો જ મારી સાથે આવી શકશો. લક્ષ્મીજીએ હા પાડી. ત્યારબાદ તેઓ પૃથ્વી લોક પર વિહરવા નીકળી પડ્યા. પૃથ્વી લોક પર પહોંચતા જ વિષ્ણુજીએ લક્ષ્મીજીને કહ્યું કે તમે અહીં થોભીને મારી પ્રતિક્ષા કરો. આ સાથે જ એક વાતનું ધ્યાન રાખવાનું પણ કહ્યું કે જે દિશામાં તેઓ જઈ રહ્યા હતા તે દિશામાં દેવી લક્ષ્મી જરાય ન જૂએ. આમ કહીને વિષ્ણુ ભગવાન ત્યાંથી નીકળી પડ્યા. 

લક્ષ્મીજીએ રોકવાનો બહુ પ્રયત્ન કર્યો. પરંતુ તેઓ માન્યા નહીં. તેઓ વિષ્ણુજીની પાછળ નીકળી પડ્યા. થોડે દૂર જતા તેમણે સરસવનું એક ખેતર જોયુ. તે ખેતરમાં જઈને માતા લક્ષ્મીએ ફૂલ તોડ્યા અને શ્રૃંગાર કર્યો. ત્યારે જ વિષ્ણુજીની નજર તેમના પર પડી અને તેમણે માતા લક્ષ્મીને શ્રાપ આપ્યો કે તમે ચોરી કરી છે. આથી તમારે 12 વર્ષ સુધી આ ખેડૂતની સેવા કરવી પડશે. 

આ શ્રાપ બાદ માતા લક્ષ્મી ખેડૂતના ઘરે ગયા. તે ખેડૂત ખુબ નિર્ધન હતો. જ્યારે લક્ષ્મીમાતા પહોંચ્યા ત્યારે ખેડૂતને કહ્યું કે હવે હું તમારા ઘરે રહેવા માંગુ છું. ત્યારે ખેડૂતે એક વૃદ્ધ મહિલાનું રૂપ ધારણ કરીને આવેલા માતા લક્ષ્મીને જોઈને હા પાડી દીધી. ખેડૂતના ઘરે તો લક્ષ્મીનો વાસ થઈ ગયો અને ધીરે ધીરે ધનની પ્રગતિથી તેનું ઘર પરિપૂર્ણ થઈ ગયું. આ રીતે 12 વર્ષ થઈ ગયા. 

12 વર્ષ પૂરા થતા ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને પાછું ફરવાનું કહ્યું. ત્યારે ખેડૂતે માતા લક્ષ્મીને વિષ્ણુજી સાથે મોકલવાની ના પાડી. ત્યારે માતા લક્ષ્મીએ ખેડૂતને કહ્યું કે તેરસના દિવસે ઘરને સારી રીતે સાફ કરો. ઘરને સાફ કરીને રાતે ઘીનો દીવો પ્રગટાવો. એક તાંબાના કળશમાં રૂપિયા અને પૈસા ભરીને મારી પૂજા  કરો. આમ કરશો તો હું વર્ષ ભર તમારી સાથે રહીશ. 

ખેડૂતે આમ જ કર્યું અને તેના ઘર પર માતા લક્ષ્મીનો વાસ રહ્યો. ત્યારથી માન્યતા છે કે તેરસના દિવસે ધનની દેવીની પૂજા કરવાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે. ત્યારથી આ તહેવાર ઉજવાય છે. 

ધનતેરસની પૂજાવિધિ

આ દિવસે પ્રભુ શ્રી ગણેશ, માતા લક્ષ્મી, ભગવાન ધનવંતરિ, અને કુબેરની પૂજા થાય છે. સાંજના સમયે પ્રદોષકાળમાં પૂજા કરવી શુભ મનાય છે. જાણો પૂજા વિધિ.

1. પૂજા કરતા પહેલા સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. 
2. ત્યારબાદ એક સ્વચ્છ ચોકી પર ગંગાજળ છાંટીને તેના પર પીળા કે લાલ રંગનું કપડું બીછાવો.
3. આ કપડાં પર પ્રભુ શ્રી ગણેશ, માતા લક્ષ્મી, માટીના હાથી, ભગવાન ધનવંતરિ, અને ભગવાન કુબેરજીની મૂર્તિઓ સ્થાપિત કરો. 
4. સર્વપ્રથમ ગણેશજીનું પૂજન કરો, તેમને પૂષ્પ અને દુર્વા અર્પણ કરો. 
5. ત્યારબાદ હાથમાં અક્ષત લઈને ભગવાન ધનવંતરિનું મનન કરો. 
6. હવે ભગવાન ધનવંતરિને પંચામૃતથી સ્નાન કરાવીને, રોલી ચંદનથી તિલક કરી તેમને પીળા રંગના ફૂલ સમર્પિત કરો.
7. ફૂલ અર્પણ કર્યા બાદ ફળ અને નૈવેદ્ય અર્પણ કરીને તેના પર અત્તર છાંટી ભગવાન ધનવંતરિના મંત્રોનો જાપ રકીને તેમની આગળ તેલનો દીપ પ્રજવલ્લિત કરો. 
8. ત્યારબાદ ધનતેરસની કથા વાંચો અને આરતી કરો. 
9. હવે ભગવાન ધનવંતરિને પીળા રંગની મીઠાઈનો ભોગ લગાવીને માતા લક્ષ્મી અને કુબેરજીની પૂજા કરો. 
10. પૂજા સમાપ્ત થયા બાદ ઘરના મુખ્ય દ્વાર પર બંને બાજુ તેલનો દીવો પ્રગટાવો. 

ધનતેરસ પર આ જગ્યાઓ પર રાખો દીવો
ધનતેરસ પર ખાસ ઘર ઉપરાંત પીપળાના ઝાડ નીચે, સ્મશાનની પાસે પણ દીવો રાખવામાં આવે છે. જાણો મહત્વ.

1. મુખ્ય દ્વાર પર દીવો- ધનતેરસના દિવસે ઘરના મુખ્ય દરવાજા પર બંને બાજુ દીવો પ્રગટાવવો શુભ મનાય છે. આમ કરવાથી અકાળ મૃત્યુનો ભય સમાપ્ત થાય છે અને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. 
2. બાથરૂમમાં- શાસ્ત્રો મુજબ માન્યતા છે કે માતા લક્ષ્મી તમારા ઘરમાં ગમે ત્યાંથી પ્રવેશી શકે છે. આથી બાથરૂમમાં પણ દીવો રાખો.
3. પીપળાના ઝાડ નીચે- ધનતેરસના પર્વ પર પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવો શુભ ગણાય છે. કહેવાય છે કે આ દિવસે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહ છે. પીપળામાં સમસ્ત દેવી દેવતાઓનો વાસ ગણાય છે. 
4. સ્મશાન નજીક- સ્મશાન નજીક દીવો પ્રગટાવવો પણ શુભ ગણાય છે. એવી માન્યતા છે કે સ્મશાન દીવો પ્રગટાવવો શુભકારી છે. એવી માન્યતા છે કે શ્મશાનની નજીક આ દિવસે દીવો પ્રગટાવવાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news